જૂનાગઢની સંસ્થાની અનોખી સેવા, 22 વર્ષથી એક પણ રૂપિયો લીધા વગર હરિદ્વારમાં ગંગા નદીમાં કરી રહી છે અસ્થિ વિસર્જન - Tilak News
જૂનાગઢની સંસ્થાની અનોખી સેવા, 22 વર્ષથી એક પણ રૂપિયો લીધા વગર હરિદ્વારમાં ગંગા નદીમાં કરી રહી છે અસ્થિ વિસર્જન

જૂનાગઢની સંસ્થાની અનોખી સેવા, 22 વર્ષથી એક પણ રૂપિયો લીધા વગર હરિદ્વારમાં ગંગા નદીમાં કરી રહી છે અસ્થિ વિસર્જન

સ્વજનોના મૃત્યુ બાદ તેના આત્માને શાંતિ અર્થે લોકો ગંગા કિનારે આરતી કરીને સ્વજનોની પૂજા સાથે અસ્થીવિસર્જન કરતા હોય છે. ત્યારે અમુક લોકો એવા પણ હોય છે કે જે આ પૂજાવિધિ માટે હરિદ્વાર જઈ શકતા નથી. પોતાના સ્વજનોની આત્માને શાંતિ માટે તો સૌ કોઈને કામના હોય છે પણ અમુક આર્થિક સંજોગોને લીધે તે ફળીભૂત થતું નથી. જેથી આવા લોકોને વ્હારે આવી સર્વોદય બ્લડ બેંક છેલ્લા 22 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ કરતુ આવ્યું છે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ પણ વર્ષોથી આ સંસ્થામાં સેવા આપી રહ્યા છે.

આ સંસ્થાના કાર્યકર્તા અને હાલમાં મહાનગરપાલિકામાં ઓફિસર તરીકે ફરજ બજાવતા દીપકભાઈ રૂપારેલિયા દ્વારા સ્વખર્ચે 22 વર્ષ પહેલાં આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ શરૂઆત બાદ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ આ બાબતે મળ્યો હતો. જેથી આ પ્રવૃત્તિ અવિરતપણે આજે પણ શરૂ રાખવામાં આવી છે, લોકો આજે પણ અસ્થિ પૂજનવિધિ માટે અર્પણ કરવા ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

ચાલુ વર્ષે 3 દિવસથી આ અસ્થિઓ બધાને મૂકી જવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત 3 દિવસમાં લોકો પોતાના સ્વજનોને તથા જે અસ્થિઓ સોનાપુર સ્મશાન ઘાટ ખાતે એકત્ર થયા છે, તે બધા મળીને 8000 સ્વજનોની અસ્થિ અહી પૂજા વિધિ માટે અર્પણ કરી ગયા હતા. જે અસ્થિઓને લઈને ગાડી રવાના થઈ હતી.

આ અભિયાનમાં અનેક લોકો આસ્થા સાથે જોડાયેલા છે, દરેક લોકો જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય છે જે સંજોગોવસાત હરિદ્વાર ગંગા કિનારે પૂજનવિધિ માટે પહોચી શકે એમ ન હોય તે દરેક વ્યક્તિ અહી પોતાના સ્વજનના અસ્થિ આપી જાય છે. અને એમની અસ્થિઓ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજનવિધિ કરી અને પછી જ ગંગા નદીમાં પધરાવીએ છીએ.

આ એકત્ર કરવામાં આવેલ 8000થી વધુ અસ્થિઓ સોમવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે અને 2 કલાક સુધી પૂજનવિધિ બાદ ગંગા નદીમાં અર્પણ કરવામાં આવશે અને આ સંપૂર્ણ સેવાકીય કાર્ય સંપન્ન કરવામાં આવશે.