હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી - Tilak News
હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ કહેતા હોય છે, પરંતુ બાળકને માઠું લાગી જાય છે અને ન કરવાનું કરી બેસે છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક દીકરાએ જ પોતાની માતાને માથા પર દસ્તો મારીને હત્યા કરી નાખી. જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ ના ગાઝીપુર માં આર્મી જવાન સુરેન્દ્ર સિંહની પત્ની સરિતા સિંહની હત્યાના મામલામાં પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટનાને તેના જ પુત્રએ અંજામ આપ્યો છે. આ બાળક પાંચમા ધોરણમાં ભણે છે. તેણે પોલીસને જણાવ્યું કે, તેની માતાએ હોમવર્ક ન કરવા બદલ તેને ઠપકો આપ્યો હતો અને માર માર્યો હતો. આ કારણોસર તેણે દસ્તા વડે તેમની માતાની કરપીણ હત્યા કરી નાખી હતી. બિરોન વિસ્તારના દાંડીકલા ગામના રહેવાસી આર્મી જવાન સુરેન્દ્ર સિંહ તેની પત્ની સરિતા સિંહ, પુત્ર અને પુત્રી સાથે શહેરના ફુલનપુરમાં રહેતા હતા.

સુરેન્દ્ર હાલમાં ઉજ્જૈનમાં JCO (જુનિયર કમિશન્ડ ઓફિસર)ની તાલીમ લઈ રહ્યો છે. ગુરુવારના રોજ બપોરે સરિતાની લોહીથી લથપથ લાશ પલંગ પરથી મળી આવી હતી. તે સમયે પુત્રી અંશિકા 12માની પ્રિ-બોર્ડ પરીક્ષા આપવા ગઈ હતી. જ્યારે તે ઘરે પરત ફરી ત્યારે તેણે તેની માતાની લાશ જોઈ અને પોલીસને જાણ કરી હતી. પુત્રીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસ અધિક્ષક ઓમવીર સિંહના નિર્દેશનમાં તપાસ કરી રહેલી ટીમે ઘટના સ્થળની નજીકના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી. તેમાં બહારની વ્યક્તિ ઘરમાં આવતી-જતી જોવા મળી ન હતી. આના પર પોલીસને શંકા છે, આ ઘટનાને અંજામ ઘરના કોઈ વ્યક્તિએ જ આપ્યો છે. આ સ્થળે તપાસ કરતાં પોલીસને માલુમ પડ્યું હતું કે, તેના પુત્રએ જ માતાના માથામાં દસ્તો મારીને માતાની હત્યા કરી હતી. પોલીસ દ્વારા આ દસ્તાને પણ કબજે કરી લેવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષક ઓમવીર સિંહે કહ્યું કે, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે સરિતા સિંહે તેના પુત્રને તેનું હોમવર્ક પૂરું ન કરવા અને અભ્યાસમાં ધ્યાન ન આપવા બદલ ઠપકો આપ્યો હતો. આ પછી, માતાએ મારેલા મારને કારણે નારાજ પુત્ર રૂમમાં ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. જ્યારે સરિતા તેના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી.

આગળ જણાવ્યું કે, લગભગ અડધા કલાક પછી પુત્ર રૂમમાંથી બહાર આવ્યો અને દસ્તો લઈને માતાના રૂમમાં ગયો. તેણે સૂતેલી માતાના ચહેરા અને માથા પર બે-ત્રણ વાર દસ્તો માર્યો હતો. જેના કારણે સરિતા લોહીલુહાણ થઈ ગઈ અને થોડા સમય બાદ તેનું મોત થઈ ગયું. હાલમાં તો આ દીકરાને કસ્ટડીમાં લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.