અમદાવાદીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, ઓળખસમા ઝૂલતા મિનારાને મરામત કરીને ફરીથી શરૂ કરાશે - Tilak News
અમદાવાદીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, ઓળખસમા ઝૂલતા મિનારાને મરામત કરીને ફરીથી શરૂ કરાશે

અમદાવાદીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, ઓળખસમા ઝૂલતા મિનારાને મરામત કરીને ફરીથી શરૂ કરાશે

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ખાસ કરીને બુલેટ ટ્રેનના પ્રોજેકટ અને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યુ હતું. ત્યારબાદ અમદાવાદની ઓળખ સમાન ઝૂલતા મિનારાની જગ્યાની મુલાકાત લીધી હતી. ઝૂલતા મીનારાના બંને મિનારા અને તે પરના બ્રિજનું ખુબજ બારીકાઇથી તેઓએ નિરીક્ષણ કર્યું હતું.

કાલુપુર રેલવે સ્ટેશનની કાયા પલટમાં ઝૂલતા મિનારાનું પણ સમારકામ કરી ફરી રિસ્ટોર કરવાનું આયોજન ઘડાઈ રહ્યું છે. ઝૂલતા મિનારા જે છેલ્લા કેટલાય સમયથી મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જર્જરિત હાલતમાં થયેલા આ મિનારાનું સમારકામ થાય તે જરૂરી છે તેવામાં અમદાવાદ વાસીઓ માટે ખુશીના સમાચાર એ છે કે, આ ઝૂલતા મિનારા ફરી શરૂ થઈ શકે છે.

લોકો આ મિનારાઓને ફરી ઝૂલતા નિહાળી શકશે. કારણ કે કેન્દ્રના રેલવે મંત્રાલય દ્વારા કાલપુર રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ બનાવવાનો પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યો છે. અને આ રેલવે સ્ટેશનની કાયાપલટની સાથે કાલુપુર વિસ્તારની કાયા પણ પલટ થશે. ત્યારે કાલુપુર વિસ્તારમાં અને રેલવે સ્ટેશન નજીક આવેલા ઝૂલતા મિનારા પણ સમારકામ થઈ તેને રિસ્ટોર કરવાનું આયોજન હાથ પર લેવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય રેલવે અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવએ અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેકટને લઈ સાબરમતી વિસ્તારમાં વિઝીટ કરી ત્યારબાદ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અને ત્યારબાદ ઝૂલતા મિનારાની સાઇટ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઝૂલતા મિનારાની જગ્યા અને તેના પરના બ્રિઝનું નિરીક્ષણ કર્યું હતું.

મહત્વનુ છે કે ઝૂલતા મિનારા સ્થાપત્ય નિર્માણમાં મોગલ શૈલીનો અદભુત નમૂનો છે. એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. અમદાવાદમાં સારંગપુર-ગોમતીપુરમાં રેલ્વે સ્ટેશનની બહારનાં ભાગે આવેલા આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે  છે કે અમદાવાદમાં ઈ.સ.1430માં તૈયાર કરવામાં આવેલા ઝૂલતા મિનારાને અત્યારે સમારકામની જરૂર છે. આ મિનારા સુલતાન અહમદ શાહે તૈયાર કરાવ્યા હતા.