મા તે મા બીજા બધા વગડાના વા’ અને ‘જનનીની જોડ સખી નહીં જોડે રે લોલ’ સહીતની અનેક કહેવતો મા માટે કહેવામાં આવી છે. પોતે ભૂખી સુઇને દિકરાના મોઢામાં કોળિયા મુકવાની વાતો નવી નથી. પરંતુ આ તમામ કહેવાતોને નિરર્થક સાબિત કરતો કિસ્સો અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં બન્યો છે. જ્યાં માત્ર ત્રણ માસની બાળકીના સારવાર માટે આવેલ માતાએ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી દીધી છે. બાદમાં આ જ માતાએ બાળકી ગુમ થઇ હોવાની જાહેરાત કરી હતી. પરંતુ સીસીટીવી કેમેરાના કારણે તે માતાની કરતુતોનો પર્દાફાશ થઈ ગયો છે. પોલીસએ આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, પેટલાદની રાવલી ગામમાં આસિફમિયાં મલેક તેની પત્ની ફરજાનાબાનુ સાથે રહે છે. તેણે બે મહિના પહેલાં જ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે જન્મતાની સાથે જ દીકરી સતત બીમાર રહેતી હતી. તેની નડિયાદ અને વડોદરા સારવાર કરાવી હતી. એસએસજી હોસ્પિટલમાં 24 દિવસ માટે દાખલ કરી ઓપરેશન કર્યું હતું. બાળકીનો આંતરડાનો ભાગ બહાર આવી ગયો હતો. તેથી બાળકીને કોઈ ફરક ન પડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલાં 1,200 બેડમાં દાખલ કરવામાં આવી હતી.
આ દરમિયાન ગઈકાલે સવારના સમયે પિતાએ સવારે ઊઠીને જોયું તો વોર્ડ નંબર 3માં તેમની બે માસની દીકરી ન હતી. જેને પગલે તેમણે હોસ્પિટલના CCTVની તપાસ કરાવતાં તેની પત્નીએ જ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇ હત્યા કર્યાનું સામે આવ્યું હતું. આ મામલે પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી છે. ત્યારે આ અંગે ફરજાનાબાનુની પૂછપરછ કરતાં દીકરી અમરીનબાનુ જન્મથી જ બીમાર રહેતી હતી, જેથી કંટાળી ગઈ હોવાથી તેણે ત્રીજા માળેથી તેને ફેંકીને દીધી હોવાનું જણાવ્યું હતું.
1 જાન્યુઆરીએ સવારે ફરિયાદી હોસ્પિટલના બહારના વેઇટિંગ રૂમમાં સૂઈ રહ્યા હતા. તે સમયે તેમની પત્ની ફરજાનાબાનુ તેમની પાસે આવી હતી અને જણાવ્યું હતું કે, દિકરી મળતી નથી. ત્યારબાદ તેમણે પણ દિકરીની શોધખોળ કરી હતી અને ન મળી આવતા પોલીસને ફોન કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ વોર્ડના સિક્યોરિટીને જાણ કરી હતી. તેમ જ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસે સાથે રહીને C3 વોર્ડના લોબીમાં આવેલા CCTV ફૂટેજ ચેક કરતા તેમાં તેમની પત્ની ફરજાનાબાનુ દિકરીને લઈને વહેલી સવારના 4.15 વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઈ જતી જોવા મળી હતી અને વોર્ડના બહાર આવેલી ગેલેરીમાં ઉભી રહી અને ત્યારબાદ ખાલી હાથે વોર્ડમાં પરત જતી જોવા મળી હતી. જેથી અમીનબાનુંએ જ બાળકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદમાં હવે પોલીસે મહિલાની ધરપકડની કાર્યવાહી હાથધરી છે.